અમદાવાદ 146મી રથયાત્રાઃ CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી કરાવ્યો હતો પ્રારંભ
અમદાવાદઃ શહેરમાં 146મી રથયાત્રા રંગેચંગે શરુ થઈ હતી. રથયાત્રાની શરુઆત થઈ એ પહેલાં મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. એ પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો મંદિરના પરિસરમાં યોજાયા હતા. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પોણા સાત વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કર્યા હતા અને ફૂલહાર પણ કર્યા હતા. એ પછી પૂજા અર્ચના કરી હતી. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી ભગવાન જગન્નાથજીની પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે ભગવાનનો રથ મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે ભક્તોએ જય રણછોડ અને માખણચોરના નારા લગાવતા મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. દોરડુ ખેંચીને પહેલાં રથને મંદિર પરિસરમાંથી બહાર લાવવામાં આવ્યું હતું. તો ભગવાનના દર્શન માટે ભક્તોએ પડાપડી કરી હતી. એ પછી વારાફરતી ત્રણેય રથ મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને રથયાત્રા પ્રારંભ થઈ હતી. બીજી તરફ, દર્શન કરવા માટે આવેલાં ભક્તોએ ખીચડી અને મગનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ખીચડીનો પ્રસાદ મેળવવા માટે ભક્તોએ લાંબી લાઈનો લગાવી હતી.
Curated byમનીષ કાપડિયા|TimesXP Gujarati|20 Jun 2023