કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, કંડલા પોર્ટ પર બે ક્રેન ટકરાઈગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જોકે, અમદાવાદમાં સોમવારે દિવસભર વરસાદ નથી પડ્યો, એટલે આઈપીએલની ફાઈનલ મેચ રમાશે તેવી ક્રિકેટ રસિયાઓ આશા રાખી રહ્યા છે. રવિવારે વરસાદના કારણે ફાઈનલ મેચ ધોવાઈ ગઈ હતી, જેથી રિઝર્વ ડે એટલે કે સોમવારે ફાઈનલ રમાડવાનું નક્કી કરાયું હતું. દરમિયાનમાં આજે કચ્છના ઘણા પંથકમાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ થોડું-ઘણું નુકસાન પણ થયું છે. કંડલા પોર્ટ પર બે ક્રેન ભારે પવનમાં સરકીને એકબીજા સાથે અથડાઈ હતી. જ્યારે ગાંધીધામમાં મોબાઈલ ટાવર ધરાશાયી થવાની ઘટના બની છે. કચ્છમાં બપોર પછી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો, સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર, ગોંડલ, બોટાદમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી.