USમાં અકસ્માતમાં મોતને ભેટેલા ગુજરાતી યુવક દર્શિલનો દેહ ભારત નહીં લાવી શકાય
અમેરિકાના ટેક્સાસમાં થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા પાટણના યુવક દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે. આ ગમખ્વાર અકસ્માતમાં કમકમાટી ઉપજાવે તેવી હાલતમાં મોતને ભેટેલા દર્શિલની બોડી ઈન્ડિયા પાછી લાવી શકાય તેવી સ્થિતિમાં ના રહી હોવાથી તેની અંતિમવિધિ અમેરિકામાં જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હ્યુસ્ટનમાં થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા દર્શિલના પાર્થિવ દેહની સ્થિતિને જોતાતેને ભારત મોકલવાની મંજૂરી પણ આપવામાં નથી આવી. દર્શિલ હજુ ૯ એપ્રિલ ૨૦૨૩માં જ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. અમેરિકા જતાં પહેલા તે વડોદરાની એક ફાર્મા કંપનીમાં જોબ કરતો હતો, પરંતુ અમેરિકાના ૧૦ વર્ષના ટુરિસ્ટ વિઝા મળી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. દર્શિલના પિતા રમેશભાઈ ઠક્કર એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે, દીકરા સાથે તેમને અને તેમની પત્નીને પણ અમેરિકાના ૧૦ વર્ષના ટુરિસ્ટ વિઝા મળ્યા હતા.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|4 Aug 2023