સ્ટૂડન્ટ વિઝા પર લંડન પહોંચી ગયેલા પતિએ પત્નીને ત્યાં લઈ જવા વિચિત્ર શરત મૂકી
એક ચોંકાવનારી ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાના દિયર, પતિ તેમજ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો પતિ હાલ સ્ટૂડન્ટ વિઝા પર યુકેમાં છે, અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદ અનુસાર પતિની ગેરહાજરીમાં ના માત્ર સાસરિયા તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા પરંતુ એક સમયે દિયરે પણ તેના પર નજર બગાડીને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતી હાલ અમદાવાદની એક સ્કૂલમાં ટીચરની જોબ કરે છે, તેના લગ્ન ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ સમાજના રિતરિવાજ અનુસાર ચાંદખેડામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના દોઢેક મહિના સુધી બધું બરાબર ચાલ્યું હતું પરંતુ પછી તેના સાસરિયાનું વર્તન બદલાવવા લાગ્યું હતું. નોકરી કરતી વહુનો પગાર ઓછો હોવાથી પણ સાસરિયા તેને અવારનવાર મ્હેણા મારતા હતા તેમજ ઘરનું કામ કરવા બાબતે પણ તેની સાથે બોલાચાલી કરત. આ દરમિયાન તેના પતિએ પણ તેની સાથે બોલવા-ચાલવાનું ઓછું કરી નાખ્યું હતું, અને પોતાને વિદેશમાં ભણવા જવાનું હોવાથી તે યુવતીને પોતાના પિયરિયા પાસેથી રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો. યુવતીનો દાવો છે કે તેણે તેના પતિને ૬૦ હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ તેની ડિમાન્ડ ચાલુ જ રહી હતી.
Curated byનવરંગ સેન|TimesXP Gujarati|11 Aug 2023