Ep 5: કોકીલાએ મેક્સિકો પહોંચી પિન્ટૂ સાથે તો બદલો લીધો પણ તેની સજા ચેતનાને ભોગવવી પડી
પિન્ટૂને મેક્સિકો પહોંચ્યાના ત્રણ-ચાર દિવસમાં જ બોર્ડર કરી લેવાની હતી, પણ નાલાયક કોકીલાએ બધાને એવા ફસાવ્યા હતા કે તેના લીધે 20 દિવસ સુધી બધાને મેક્સિકોમાં જ પડી રહેવું પડ્યું હતું. આખરે તેમનો આગળ જવાનો મેળ પડ્યો ત્યારે પણ જે મુસાફરી તેમને ફ્લાઈટથી અઢી કલાકમાં પૂરી કરી લેવાની હતી હવે તેના માટે તેમને 36 કલાકની બસ લેવાની હતી. બસમાં મેક્સિકો બોર્ડર તરફ જતાં લોકો સાથે રસ્તામાં શું થાય છે તેની પિન્ટૂને બધી જ ખબર હતી. મેક્સિકો સિટી એરપોર્ટ પરથી પાછા જવાનું થતાં પિન્ટૂને એજન્ટે બીજી એક હોટેલનું એડ્રેસ મોકલ્યું હતું, જ્યાં પહોંચ્યાની થોડી જ વારમાં અગાઉની હોટેલવાળી સારા પિન્ટૂને મળવા માટે આવી હતી, તે પોતાની સાાથે જમવાનું પણ લાવી હતી અને તેણે જ બસની પાંચ ટિકિટો પિન્ટૂના હાથમાં પકડાવી હતી. સારાએ આ હોટેલ પર પિન્ટૂ સહિતના પાંચેય લોકોને એક બેકપેકમાં આવે તેટલો સામાન સાથે રાખવા કહ્યું હતું અને બીજી એક નાની બેગ કે થેલો રાખવા માટે છૂટ આપી હતી, તે સિવાયના બાકીના તમામ કપડાં અને બેગ્સ તેમને તે હોટેલ પર જ છોડી દેવાના હતા. પિન્ટૂની બસ તે જ દિવસે બપોરે સાડા બાર વાગ્યે ઉપડવાની હતી, અને તે તમામ લોકોને સારા જ બસ સ્ટેન્ડ પર મૂકવા માટે આવી હતી. 36 કલાકનો રન હોવાથી આ બસમાં વોશરૂમની પણ સુવિધા હતી અને બસ પણ ખાસ્સી કમ્ફર્ટેબલ હતી. બસ ઉપડી નહીં ત્યાં સુધી સારા ત્યાં જ રહી હતી અને પિન્ટૂ વિદાય થયો તે સાથે જ સારાનો રોલ પણ પૂરો થઈ ગયો હતો.