અમેરિકા જવા નીકળેલા ગુજરાતી યુવકને મેક્સિકોમાં બે વાર જેલની હવા ખાવાનો વારો આવ્યો
મેક્સિકો કે પછી બીજા કોઈ દેશમાં કશીય કોઈ જ તકલીફ નહીં પડે તેવા વાયદા આપી ગુજરાતીઓને બે નંબરમાં અમેરિકા મોકલતા અમુક એજન્ટો કેવા જૂઠ્ઠાણા ચલાવતા હોય છે તેનો એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં જ અમેરિકા પહોંચેલા એક યુવકે IamGujarat સાથે શેર કર્યો છે. ધવલ પટેલ નામના આ યુવકને અમેરિકા પહોંચાડવા માટે કલોલના એક એજન્ટે ૭૫ લાખ રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો. બીજા એજન્ટો કરતાં ૧૦ લાખ વધારે લેનારા આ એજન્ટે ધવલને એવો વાયદો કર્યો હતો કે તેને રસ્તામાં ક્યાંય તકલીફ નહીં પડે, અને આખીય ટ્રીપ ફ્લાઈટમાં જ કરવાની રહેશે. એજન્ટની વાત પર વિશ્વાસ મૂકીને ધવલ ૦૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ અમેરિકા જવા માટે અમદાવાદથી રવાના થયો હતો, તેને સૌ પહેલા દિલ્હી પહોંચવાનું હતું અને ત્યાં એક પંજાબી એજન્ટનો કોન્ટેક્ટ કરવાનો હતો. જોકે, આગળની લાઈન ક્લીયર ના થતાં ધવલને દિલ્હીમાં જ એક મહિના સુધી બેસી રહેવું પડ્યું હતું. ત્યારે ધવલની પંજાબી એજન્ટ અને પોતાના કલોલવાળા એજન્ટ સાથે વાત થતી રહેતી હતી અને તેને સમજાઈ ગયું હતું કે તેને અમેરિકા મોકલવામાં મેઈન રોલ તો પંજાબી એજન્ટનો જ છે અને કલોલનો એજન્ટ તો માત્ર એક પ્યાદું છે.